“પૈસો” શબ્દની ઉત્પત્તિ મૂળ લેટિન ક્રિયાપદ ‘પેન્ડર’ –‘વજન કરવું’ પરથી તથા લેટિન સંજ્ઞા ‘પેન્સમ’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ‘કંઈક વજન કરેલ’ થયો જેના પરથી સ્પેનિશમાં ‘પેસો’ એટલે કે ‘વજન’ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. સ્પેનિશ-મેક્સિકન ‘પેસો’ હોય કે આપણો ‘પૈસો’ –એનું વજન સરખું જ પડે છે. ચંદ્રકાંત બક્ષી કહે છે, ‘પૈસા માટે સંસ્કૃત ભાષાએ એક વિરાટ, સર્વવ્યાપી શબ્દ વાપરી દીધો છે: અર્થ. અર્થ શબ્દનો અંત છે. અર્થ નિચોવી લીધા પછી શબ્દનું માત્ર છોતરું રહે છે.’
પૈસાને લગતી કહેવતો -‘પૈસા વગરનો ઘેલો અને સાબુ વગરનો મેલો’, ‘પૈસાના કંઈ ઝાડ ઊગે છે’, ‘પૈસાનું પાણી કરવું’, ‘પૈસે કોઈ પૂરો નહિ, ને અક્કલે કોઈ અધૂરો નહિ’- માંડવા બેસીએ તો આખો લેખ લખાઈ જાય.
આશરે બે હજાર વર્ષોથી વધુ પ્રાચીન પંડિત વિષ્ણુશર્મા રચિત “પંચતંત્ર”ની વાર્તાઓનું વિશ્વસાહિત્યમાં અનોખુ અને અદ્વિતીય સ્થાન છે. લોકકથા સ્વરૂપે લખાયેલી આ વાર્તાઓ તેની અલગ ભાત પાડતી શૈલીને લીધે વિશ્વપ્રસિદ્ધ છે. આ વાર્તાના પ્રથમ પાનાંનો એક લેખ જે પૈસા કે ધન વિશે છે તે અહી પ્રસ્તુત કરું છું.
“ધન વડે ના મેળવી શકાય તેવી કોઈ વસ્તુ આ જગત માં નથી. તેથી બુદ્ધિશાળી માણસે એકમાત્ર ધન પ્રાપ્ત કરવા વિચારવું જોઈએ. જેની પાસે ધન છે. એના જ મિત્રો હોય છે. એને જ લોકો મર્દ માને છે. લોકોને મન એ જ પંડિત ગણાય છે. જેની પ્રસંશા થતી ના હોય એ વિદ્યા નથી. એ દાન નથી. એ કલા નથી. જગતમાં જે લોકો અમીર હોય છે તેમની સાથે પારકા લોકોં પણ સ્વજન જેવો વ્યવહાર કરે છે. જ્યારે ગરીબોના સ્વજનો પણ તેમની સાથે પરાયાપણાનો ભાવ રાખે છે. જ્યાં પૈસો હોય ત્યાં અપૂજ્ય લોકોં પણ પુજાપાત્ર બની જાય છે. જેને આંગણે કદી પગ મુકવાનો વિચાર પણ ન આવે તેના ઘરને બારણે લોકો હસતાં હસતાં જાય છે. એ બધો પ્રતાપ એક માત્ર પૈસા નો છે. આ દુનિયામાં ધન મેળવવા લોકોં સ્મશાને જઈ સાધના કરે છે. નિર્ધન લોકોં જન્મ આપનાર માતા-પિતાનેય ધિક્કારવા લાગે છે. ધનિક વ્યક્તિ ઘડપણમાં પણ યુવાન જણાય છે, જ્યારે ગરીબ ધનહિન માણસ યુવાની પણ વૃદ્ધ મનાય છે. ભીખ માંગવાથી, રાજની નોકરી કરવાથી, ખેતી કરવાથી, વિદ્યાઅભ્યાસથી, ધીરધાર કરવાથી તથા વાણિયાની જેમ વેપાર કરવાથી, એમ છ પ્રકારે ધન પ્રાપ્ત થાય છે. એ બધામાં વેપાર કરી કમાયેલુ ધન જ સૌથી શ્રેષ્ઠ અને પ્રસંશાપાત્ર ઘણાય છે.”