‘લોકોને કોઈ પણ રસ્તે ધનવાન થવાનું શીખવવું એના જેટલું એમનું ભૂંડું બીજું કશું નથી.’- ગાંધીજી
‘સોયના નાકમાંથી હાથી પસાર થઈ શકે પણ સ્વર્ગના દ્ધારમાંથી ધનવાન પસાર નહિ થઈ શકે.’- ઇસુ ખ્રિસ્ત
મહાત્મા ગાંધીજી કહેતા હતા કે તેમનું જીવન એ જ તેમનો સંદેશ છે. ગાંધીજીએ ક્યારેય પોતાના જીવન વડે પ્રભાવ ઉત્પન્ન કરવાનો પ્રયાસ નથી કર્યો પરંતુ તેમનું જીવન જ પ્રેરણાનું કારણ બની ગયું. આજે આપણે ‘કેવી રીતે પ્રભાવિત કરવા’ – એવા સમયમાં જીવી રહ્યા છીએ પરંતુ ગાંધીજીનું દૃષ્ટિબિંદુ હતું- ‘કેવી રીતે પ્રેરિત કરવા’.
સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં ‘આર્થિક માનવી’ ની ધારણા હેઠર વિચારણા કરવામાં આવે છે. અર્થશાસ્ત્રના જનક ગણાતા એડમ સ્મિથે પણ માનવીને સ્વાર્થી પ્રાણી કે આર્થિક પ્રાણી તરીકે જ ક્લ્પેલ છે, એટલે કે માનવી પ્રેમ, દયા, પરોપકાર જેવાં બિનઆર્થિક મૂલ્યો નહિ પણ વેતન, વ્યાજ, નફો જેવાં આર્થિક મૂલ્યોથી દોરવાઈને વિચારે છે. પરંતુ ગાંધીજી માનવીને માત્ર આર્થિક પ્રાણી તરીકે ન જોતાં તેને નિતીપ્રધાન માનવી તરીકે સ્વીકારે છે.
ગાંધીજીનું અર્થશાસ્ત્ર નિતીપ્રધાન છે. તેમના એકેએક વિચારમાં નીતિને પાયાનું સ્થાન છે. તેઓ દ્રઢપણે માનતા કે, ‘જે અર્થશાસ્ત્ર કોઈ પણ વ્યક્તિના કે રાષ્ટ્રના વિકાસ અથવા કલ્યાણની આડે આવે તથા જે એક દેશને બીજા દેશની લૂંટ ચલાવવાની છૂટ આપે તે અર્થશાસ્ત્ર અનીતિમય છે, પાપરૂપ છે.’
સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ વિચારતા અર્થપ્રવૃતિ અને સાચો અર્થલાભ કદી નીતિથી વિરોધી હોઈ શકે જ નહિ. પ્રમાણિકતા ઉતમ નીતિ છે તે હક્કીત તો કોઈ સૌ સ્વીકારે છે. અપ્રમાણિક રીતો જેવી કે ચોરી, ધાડ-લૂંટફાટ, છેતરપિંડી, ભેળસેળ, કાળાબજાર વગેરેથી કદાચ કોઈ વ્યક્તિને તત્કાળ આર્થિક લાભ થયેલો દેખાય, પણ અંતેતો ‘દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં’ જેવું થાય છે આથી તો સમાજના આર્થિક-સામાજિક વહેવારો અસ્થિર બને છે. વળી વ્યક્તિ કે સમાજ, નીતિ-અનીતિનો વિચાર કર્યા વગર, માત્ર સ્વાર્થવૃતિથી આર્થિક કે ભૌતિક લાભો માટે વલખાં કરે તો તે ચારિત્ર્યમાં અને છેવટે બુધ્ધિબળમાં પણ શિથિલ થયા વિના રહેતો નથી તેથી તે નીતિની સાથે , અર્થ –ધન દોલત કે સંપતિને પણ ગુમાવી બેસે છે. જુગાર,સટ્ટો, કાળાબજાર આદિના આવા પરિણામો આપણે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ . જેવી રીતે રાતોરાત માલદાર થવાય છે તેવી જ રીતે પાયમાલ પણ થઇ જવાય છે.
જો લોકો નીતિવાન હોય તો સમાજમાં બિંતંદુરસ્ત હરીફાઈ પણ હોય, ઈર્ષા-દ્ધેષ કે સંઘર્ષ પણ હોય, સંગ્રહવૃતિ ન હોય, કેવળ સ્વાર્થ કે છેતરપિંડી ન હોય, તેથી શોષણ પણ ન હોય, પરંતુ વાસ્તવમાં જ્યાં નૈતિક વહેવાર નથી ત્યાં આથી ઊલટી સ્થિતી પ્રવર્તે છે. તેથી કેટલાય લોકોની આર્થિક સ્મ્સ્યાઓ સર્જાય છે
અર્થ અને કામ ધર્મ અર્થે જ છે. પણ આજે તો જાણે ઊલટી ગંગા વહી રહી છે .આર્થિક પ્રવૃતિના કેન્દ્રમાંથી માનવી જાણે કે વિસરાઈ ગયો છે .ભૌતિકવાદને પગલે અનેક દૂષણોથી ત્રસ્ત થયેલો આજનો ‘આર્થિક માનવ’ કે ‘યંત્ર માનવ ’ જાણે કે રહેંસાઈ રહ્યો છે. જો તે પાછું વળીને નહિ જુએ તો તેનું જ અસ્તિત્વ ભય માં છે.
“તમામ શાસ્ત્રોનું ધ્યેય ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવા સિવાય બીજું કશું નથી. જેનું ચારિત્ર્ય આથી ઊલટું હોય, જેની ઇન્દ્રિયો પોતાના અંકુશ નીચે ન હોય, તે ચોખૂંટ ધરતીનો માલિક હશે તો પણ થોડા વખતમાં જ નાશ પામશે.”.ગાંધીજીના આર્થિક વિચારો સમજાવતાં શ્રી જે.પી .કુમારપ્પા લખે છે કે, વિશ્વ મૃત્યુ સુધી બીમારી ભોગવી રહ્યું છે અને તેણે તેની પાચનશક્તિને ભૌમિક ઉત્પાદનના વધારાથી ભારે હેરાન કરી છે . આ બીમારી ને સમાજનાર ગાંધીજી હતા.
ગાંધીજી માત્ર વ્યક્તિનું ભલું જ નહિ પણ તેના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસના હિમાયતી હતા. ધનદોલત થી તો માનવી વધુ ને વધુ અસંતુષ્ટ બનતો જાય છે , જ્યારે ધર્મનીતિથી તો તે સંતુષ્ટ બનતો જાય છે.
વિનોબાજી એ એક વાર રમૂજમાં કહેલું, ‘સો રૂપિયા ખર્ચીને ઊગતા સૂર્યનું ચિત્ર ખરીદવા કરતાં ગામડામાં રહીને રોજ સવારે પાઇનાય ખર્ચ વિના સૂર્યને જોવો એ વધુ સારું નથી? …કોનું જીવનધોરણ ઊંચું?- શહેરની ગીચ વસ્તીમાં રહીને પોતાની દીવાલ પર કુદરતી દ્રશ્યો આલેખતાં ચિત્રો લટકાવનાર કહેવાતા પૈસાદાર માણસનું કે આરોગ્યદાયી વાતાવરણ માં અને કુદરત સાથેના સીધા સંપર્કમાં રહેનાર ગ્રામવાસીનું ?’
કવિશ્રી ગોલ્ડસ્મિથ સંપતિની મર્યાદા સરસ રીતે રજૂ કરે છે -‘જ્યારે સંપતિના ઢગલા થતાં જાય છે ત્યારે મનુષ્યો સડી જાય છે.’
આમ અનેક મહાપુરુષોના મંતવ્ય મુજબ અર્થ કરતાં નીતિનું જ મૂલ્ય અધિક છે.
રવીન્દ્રનાથ ટાગોરે ‘Crisis in Civilization’-માં જણાવ્યું છે કે –‘અનૈતિક્તા દ્ધારા મનુષ્ય સમૃધ્ધ થઈ શકે છે, જે ઇચ્છનીય ગણાય તે પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તે મૂળમાંથી નાશ પામે છે .
Reference:
ગાંધીજીના આર્થિક દ્ષ્ટિકોણ-પ્રો.અમીચંદભાઈ શા. પટેલ