સમગ્ર ભારતે અને મહાત્માગાંધીએ પણ જેમને ઠકકરબાપાનાં હુલામણા નામે ઓળખાવ્યા છે અને જેમણે નાત-જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીનાં ગરીબજનોનાં સર્વાગી વિકાસ અને ઉત્કર્ષ અર્થે જેમણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. એવાં ઠકકરબાપા નામે જે પ્રખ્યાત થયા છે એવાં અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ સૌરાષ્ટ્રનાં ભાવનગર મુકામે ઘોઘારી લોહાણા સમાજનાં આગેવાન વિઠ્ઠલદાસભાઈને ત્યાં માતા મુળીબાઈની કુખે ઈ.સ. ૧૮૬૯ નાં નવેમ્બર માસની ૨૯મી તારીખે થયો હતો.
ધર્માનુરાગી માવતરનાં સંસ્કાર અમૃતલાલભાઈમાં ઉતર્યા હતા. વિઠલદાસભાઈને સાત સંતાનો હતા. અને આર્થિક સ્થિતિ નબળી હતી. તેઓ પરચુરણ વેપાર નોકરી કરી ગુજરાન ચલાવતાં પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં અમુતલાલભાઈએ મેટ્રીકની પરીક્ષા ઉચ્ચ માર્કસ સાથે પાસ કરી અને સ્કોલરશીપ મેળવી પિતાની ઈચ્છા અનુસાર પુનાની ઈજનેરી કોલેજમાં અભ્યાસ અર્થે દાખલ થયા.
ત્યાં અભ્યાસ પુર્ણ કરી ઈજનેર બની તેઓ રેલ્વેની નોકરીમાં જોડાયા કાઠીયાવાડની બી.જી.જે. પી. રેલ્વે (ભાવનગર-ગોંડલ-જેતપુર-પોરબંદર)ના નામથી ઓળખાતી સંયુકત રાજયમાં રેલ્વેમાં અને વઢવાણ તેમજ પોરબંદર સ્ટેટનાં રેલ્વે નિર્માણના પ્રોજેકટમાં ઈજનેર તરીકે જોડાઈને પ્રસંશનીય કાર્યદક્ષ ઈજનેર તરીકે કામગીરી કરી પછી થી તેઓને પૂર્વ-આફ્રિકામાં ઈ.સ. ૧૮૯૯ થી યુગાન્ડાની રેલ્વે ના બાંધકામમાં નોકરી મળતાં ત્રણ વર્ષ સુધી તેમણે ત્યાં નોકરી કરી અને તેઓ ઈ.સ.૧૯૦૩માં વતન પાછા આવ્યા એ સમય દરમિયાન તેમના પત્ની જીવકોર બીમાર રહેતા હતા. અને અમૃતભાઈને ત્યાં ૧૮૯૧માં પુત્ર જન્મ થયો હતો,આ પુત્ર અચાનક રોગનો શિકાર બનતા ૬ વર્ષ અલ્પ આયુ ભોગવી અવસાન પામ્યો.
એ પછી અમૃતલાલભાઈ સાંગલી રાજયમાં નોકરી અર્થે ગયા. ત્યાં જ તેમણે ગરીબો અસ્પૃશ્યોના સહવાસમાં આવવાનું બન્યું અને દલિતોની બેહાલ સિથતી જોઈ તેમનાં હૈયામાં કરૂણા જાગી. ભુખે ટળવળતા અજ્ઞાનીઓ અને અંધશ્રઘ્ધામાં દુઃખી થતાં અને પશુઓની જેમ જીવતાં આ લોકોના સર્વાગી વિકાસને ઉત્કર્ષ અર્થે કંઈક કરવાનો નિર્ધાર કરી તેઓ અખિલ હિંદ અત્યજ સેવક સંઘના પરિચયમાં આવ્યા. આ સંસ્થાના માઘ્યમથી તેઓ ગરીબોનાં ઉત્કર્ષ અર્થે સેવા કરવા લાગ્યા. તે પછી બોમ્બે પાલિકામાં એન્જિનિયર તરીકે નોકરી કરી હતી. ત્યાંજ તેમણે જોયું, પહેલીવાર, કે સફાઇ કામદારોની દયનીય પરિસ્થિતિઓને જેમણે આખા બોમ્બે શહેરના કચરાનો નિકાલ કરવો પડતો હતો. સફાઇ કામદારોએ રહેવાની મલિન વસાહતો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને આ લોકોની મુસીબતોને દૂર કરવા માટે બાકીનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. ૧૯૧૪માં તેમણે રાજીનામું આપ્યું અને સામાજિક કાર્ય શરૂ કર્યું. તેઓ સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીના સભ્ય બન્યા અને અસ્પૃશ્યો અને આદિવાસીઓના અધિકારની હિમાયત કરી. મૂંબઈમાં તેમનો પરિચય વિઠ્ઠલ રામજી શિંદે સાથે થયો હતો. મહારાષ્ટ્રમાં હરિજન-પ્રવૃત્તિઓના તેઓ જનક હતા. અને પછી ૧૯૨૨માં પંચમહાલમાં તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ત્યારબાદ તે મહાત્મા ગાંધી દ્વારા ૧૯૩૨ માં સ્થાપિત “હરિજન સેવક સંઘ”ના મહામંત્રી બન્યા. ૨૪ ઓક્ટોબર ૧૯૪૮ ના રોજ “ભારતીય આદિમજાતિ સેવક સંઘ”ની સ્થાપનાની તેમના દ્વારા પહેલ પર કરવામાં આવી હતી.
જ્યારે ભારતીય બંધારણની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે કેનવીએ ભારતના દૂરના અને સૌથી મુશ્કેલ ભાગોની મુલાકાત લીધી હતી અને આદિજાતિ અને હરિજન લોકોની પરિસ્થિતિની તપાસ કરી હતી. બંધારણની પ્રક્રિયામાં તેમણે મૂલ્યવાન મુદ્દાઓ ઉમેર્યા.ઠક્કરબાપાએ આસામ, ગ્રામીણ બંગાળ, ઓરિસ્સાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો, ગુજરાતના ભીલ પટ્ટાઓ અને સૌરાષ્ટ્રના હરિજન વિસ્તારો, મહારાષ્ટ્રના મહાર વિસ્તારો, મદ્રાસમાં અસ્પૃશ્ય વિસ્તારો, છોટા નાગપુરના ડુંગરાળ વિસ્તાર, થરપારકરનો રણ, હિમાલયની તળેટી, ત્રાવણકોરના દરિયાકાંઠાના વિસ્તારોની જંગલોની મુલાકાત તેમણે આદિજાતિ અને હરિજનોના ઉત્થાનના તેમના ધ્યેયને ધ્યાનમાં રાખીને લીધી હતી. તેઓ હંમેશા રેલ્વેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા. ઠક્કરબાપાએ તેમના જીવનના ૩૫ વર્ષ આદિજાતિ અને હરિજનોની સેવામાં વિતાવ્યા હતા.
અમૃતલાલભાઈ ઠકકર પહેલેથી જ પ્રમાણિક અને નિષ્ઠાવાન હતા. બી.જી.જે.પી.ની રેલ્વેમાં તેઓ જયારે નોકરી કરતા હતા ત્યારે રેલ્વે લાઈન જે વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યાંના ખેડુતો કે જેમની જમીન આ રેલ્વે બાંધકામમાં ચાલી જતી હતી, તેઓએ એકઠા મળી અમૃતલાલભાઈને રેલ્વેની લાઈન બદલવા વિનંતી કરી અને આ માટે તેઓ લાંચ રૂશ્વત રૂપે નાણાની કોથળી આપવા લાગ્યા ત્યારે અમૃતલાલ પ્રામાણિક હોઈ ગુસ્સે થયા અને તે સમયના વિપુલ માત્રામાં રિશ્વતરૂપે મળતાંનાણાંને ઠોકર મારી તેણે ખેડુત મંડળને પોતાના ઘરમાંથી હાંકી કાંઢી એક સ્વચ્છ અને પ્રમાણિક અધિકારી તરીકે પોતાની છાપ ઉપસાવેલ.
પૂ. ઠકકરબાપાનો ૮૦મો જન્મદિન દેશમાં ખુબ જ ગૌરવભેર ઉજવાયેલ હતો. પૂ. શ્રી ઠકકરબાપા અને તેમની સેવાકીય પ્રવૃતિઓ વિષે અનેક ગ્રંથો પણ લખાયા છે. ઠકકરબાપા આજીવન લોકસેવા કાર્યો કરતાં રહયા અને લગભગ સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ દેશમાં ઘણી જગ્યાએ ઠકકરબાપાનગર, ઠકકરબાપા કોલોની, વસાહત વગેરે નામો ધરાવતાં વિસ્તારો છે. જે ઠકકરબાપા પ્રત્યે ભાવાંજલી સમાન છે.
ગાંધીજીની કલમે
અમૃતલાલ ઠક્કર; હિંદ સેવક સમાજમાં દાખલ થયેલ સૌરાષ્ટ્રના જૂનામાં જૂના આદ્યકાર્યકર. એમના કાર્યનું ક્ષેત્રઃ અંત્યજ સેવા, ભીલ ઉદ્ધારણા, દુબળા સુધારણા સમી પછાતવર્ગની અનન્ય સેવા. લોકોએ એમને `બાપા`નો ઇલ્કાબ આપેલ હોઈને તેઓ ઠક્કર બાપા તરીકે ઓળખાય છે. એમના સંબંધે આત્મકથામાં ઉલ્લેખ છે કેઃ આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યો ; `એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો ?` હું ભડક્યો ખરો. ઠક્કર બાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી મેં મુદ્દલ આશા રાખી નહોતી. સાથીઓને કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. દુદાભાઈ, તેમનાં પત્ની દાની બહેન અને રીખતી ધાવણી લક્ષ્મી આવ્યાં. તેમને આશ્રમમાં લીધાં. સહાયક મિત્રમંડળમાં ખળભળાટ થયો, પૈસાની મદદ બંધ પડી. બહિષ્કારની અફવા મારે કાને આવવા માંડી. મારી ઉપર આવી ભીડ આ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે.