કોરોના અને ભારત સમક્ષ આર્થિક પડકારો

હાલના સમયમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. વિશ્વની વસ્તીમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. લોકો સામાજિક અંતર અને એકલપણાની નવી ટેવો શીખી રહ્યા છે. વિશ્વની તમામ સરકારોએ લોકડાઉન જાહેર કર્યા છે. તેનાથી વિશ્વ આર્થિક મંદી તરફ દોરાઈ ગયું છે. જેમાથી ભારત પણ બાકાત નથી. ભારત સમક્ષ આર્થિક પડકારો હિમાલય સમાન ઊભા છે. પ્રસ્તુત લેખમાં કોરોના બીમારી અને તેની ભારતના અર્થતંત્ર પર અસરોની વિસ્તૃત ચર્ચા કરીશું.

કોરોના

કોરોનાને વિશ્વ આરોગ્ય સંગઠને “વૈશ્વિક મહામારી” જાહેર કરેલ છે. કેમકે તેની અસર હેઠળ સમગ્ર વિશ્વ આવી ગયું છે. પરંતુ સૌ પ્રથમ આ વાઇરસ ચીનના “વુહાન” શહેરમાં જોવા મડયો હતો. ૨૦૧૯નાં અંતમાં આવેલ નૉવેલ કોરોના વાઇરસને 2019-nCOV નામ આપવામાં આવ્યું છે. નૉવેલનો અર્થ “નવો” એવો થાય છે. કેમકે આ વાઇરસ પહેલા ક્યારેય જોવામાં આવ્યો નથી કે મનુષ્ય ભૂતકાળમાં ક્યારેય આનાથી પ્રભાવિત નથી થયો. “કોરોના” વાઇરસએ તેનું લેટિન શબ્દ પરથી મળેલું નામ છે. લેટિનમાં “કોરોના” એટલે “ક્રાઉન”. આ વાઇરસની સપાટી પર સ્પાઇકસ (કાંટા)ની સિરીઝ તાજની જેમ રચાય છે. એટલા માટે તેને ”કોરોના” નામ આપવામાં આવ્યું છે. આ વાઇરસ સ્વસનને લગતી બીમારી અને ફ્લુ જેવી બીમારીઓના લક્ષણોનું કારણ બને છે. કોરોના વાઇરસ જીવલેણ વાઈરસ છે. અને તેને વૈશ્વિક આરોગ્ય સંગઠને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરેલ છે. ત્યારે આ વાઇરસ મુખ્યત્વે કોરોના વાઇરસનો ભોગ બનેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી થાય છે. હાલમાં આ રોગની કોઈ દવા કે રસી ઉપલબ્ધ નથી તેથી રોગને ઓછામાં ઓછા લોકોમાં પ્રસારવા દેવો અને તેને અટકાવવો એ જ ઉપાય છે. જેથી સમગ્ર વિશ્વમાં સામાજિક અંતર, લોકડાઉન, સંસર્ગનિષેધ અને એકલાપણું જેવી એસએએમયુએચ પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી છે. અને આ પ્રવૃત્તિઓ જ અર્થતંત્ર પર નકારાત્મક અસરો ઊભી કરી રહી છે.

અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે આર્થિક પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. પરંતુ બીમારી અને મૃત્યુના ભય સાથે આર્થિક પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ છે. તથા મનુષ્યો વચ્ચે પરસ્પર ક્રિયા થવી પણ જરૂરી છે. ઇન્ટરનેટ જેવા માધ્યમો હાલના સમયમાં પણ ભારત દેશ માટે અસરકારક નથી. કોરોના વાઇરસ અંગે પૂર્વચેતવણી મળી જતાં ભારત નસીબદાર સાબિત થયું. તેમજ વિકસિત દેશો કરતાં ભારત પાસે ઓછા સંશાધનો છે. છતાં પણ ભારત વિકસિત દેશો કરતાં સારી લડત આપી રહ્યું છે. સરકારનું પ્રાધાન્ય હાલના સમયમાં જીવનનું રક્ષણ છે. આર્થિક પડકારો અંગે વિચારણાને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી અનેતે યોગ્ય પણ છે. કેમકે જીવન અને આજીવિકાની લડતમાં પ્રાધાન્ય જીવનનેજ આપવું જોઈએ, અને ધીમે ધીમે સરકાર જીવન અને આજીવિકા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન પણ કરશે.

ગરીબાઈ

અર્થતંત્રની સામાન્ય પરિસ્થિતિમાં ભારતની વસ્તીનો મોટો ભાગ જે ગરીબ છે તે સારું જીવન જીવવા માટેની પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પ્રાપ્ત કરી શકતો નથી. તો કોરોના મહામારીની અસરો આ વર્ગને ખૂબજ અસર કરી શકે છે. લોકડાઉનને લીધે અચાનક જ રોજિંદા કામદારોની રોજી છીનવાઇ ગઈ છે. તથા વાહન પરિવહન પ્રતિબંધિત હોવાથી આ સ્થળાંતરિત કામદારો પોતાના વતન જઇ શકતા નથી. અસંગઠિત ક્ષેત્રના આ કામદારો અર્થતંત્રના વિકાસનો મુખ્ય આધાર છે. જે સમાજની રચના કરે છે. તેમની પાસે રોજગાર ન હોવું એ આર્થિક પડકારરૂપ છે.

બેરોજગારી

ભારતમાં બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. પરંતુ મહામારીમાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધી જશે. સરકાર મહામારીની અસરોને નિવારવા ભરતી પર કાપ મુકશે. જાહેરક્ષેત્ર, કૃષિક્ષેત્ર તથા ખાનગી એકમોમાં વપરાશ મર્યાદિત થવાને કારણે ઉત્પાદન ઓછું થશે. જેથી શ્રમની જરૂરિયાત ઓછી થશે. જેથી બેરોજગારી વધશે હાલના સમયમાંજ એક અંદાજ મુજબ ૧૪ કરોડથી વધારે લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો છે. અને ૪૫%થી વધારે લોકોએ પોતાની આવકમાં ઘટાડો થવાની નોંધ લીધી છે. હાલમાં ભારતએ યુવા દેશ છે. એટલે કે ભારતને “જનસંખ્યા લાભાંશ” મળી રહ્યું છે. પરંતુ આ યુવાધનનો વધુમાં વધુ ઉપયોગ કરવો એ સરકાર માટે એક પડકાર બની રેહશે.

વસ્તી વધારો

ભારતની વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતો માટેની પૂર્તિ સરકારની પાયાની બાબત છે. ભારતની વસ્તી ૧૩૫ કરોડને પાર થઈ ગયાનો અંદાજ છે. આ વસ્તીને કાબુમાં રાખવી, મહામારીનો ફેલાવો ન થાય તે રીતે કુદરતી સંશાધનોને પ્રજા સુધી પહોચાડવા એ એક સમસ્યા છે.

કૃષિ

ભારતના અર્થતંત્રમાં ખુબજ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર તે કૃષિક્ષેત્ર છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ-ફળાદિ, ફૂલોજ નહી પરંતુ ઉધ્યોગો માટે કાચોમાલ પણ પૂરો પાડવામાં આવે છે. હાલમાં ૪૯% વસ્તી કૃષિ આધારિત છે. પરંતુ પરિવહનની સમસ્યાઓ તથા મહામારીને લીધે ખેત-મજૂરો ન મળવા જેવી સમસ્યાઓ ખેતીવાડીમાં જોવા મળે છે. લણણી, ખેતપેદાશોનું પરિવહન તૂટવું જે ખેડૂતો જ નહી પરંતુ તેમનાથી દ્વિતીય કક્ષાના તમામ ઉત્પાદકોને પણ અસર કરશે. હાલમાં દૂધ, શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ યોગ્ય સમયે- યોગ્ય લોકો પાસે પહોચવી જરૂરી છે. આ ખેત પેદાશોથી થતી નિકાસ-આવક પણ અટકી જશે. એસએઆરકેએઆરઇ કૃષિક્ષેત્રને જરૂરી પ્રમાણમા સહાયક બનવું પડશે અને તેનો વિકાસ કરવો પડશે. જે મુશ્કેલ હોવાથી કૃષિક્ષેત્ર ચિંતાજનક બન્યું છે.

આંતરરાષ્ટ્રીય પરિવહન

આપણાં દેશની ભૌગોલિક હદની બહાર આવવા જવા પર હાલમાં સંપૂર્ણ પ્રતિબંધ છે. વિમાની સેવાઓ, જહાજો દ્વારા થતો વેપાર આંશિક રીતે ચાલી રહ્યો છે. માનવીઓનું સ્થળાંતર સંપૂર્ણ બંધ છે. આ સંજોગોમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેક્નોલૉજી અને માહિતીનો વિનિમય શક્ય નથી. જેથી વિદેશ વ્યાપાર ભાંગી ગયો છે. સરકાર માટે વિદેશ વ્યાપારએ આવકનો મોટો સ્ત્રોત છે. જેનાથી વિકાસના કાર્યો થાય છે. કોરોનાના ભયથી તમામ વ્યવહારો ઠપ છે.

 

અર્થતંત્ર અને કોરોના

અર્થતંત્રને વેગ આપનારા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં ખેતી, ઉધ્યોગ અને સેવાક્ષેત્ર એમ ત્રણનો સમાવેશ થાય છે. હાલમાં નાના પાયાના ઉધ્યોગો બંધ છે. તથા મધ્યમ અને મોટા પાયાના ઉધ્યોગોએ પોતાનું ઉત્પાદન ઘટાડી દીધું છે. સ્માર્ટફોન, ઓટોમોબાઇલ, નિર્માણકાર્ય, કાપડ અને કેમિકલ ઉધ્યોગોને સૌથી વધુ અસર છે.

સમગ્ર વર્ષ દરમિયાન ભારત દેશ મંદી સામે લડત ચલાવશે તેવા પૂર્વાનુમાનો થઈ રહ્યા છે. આ મંદી લાંબાગાળા માટે પણ હોઈ શકે છે. પરંતુ ઘણા નિષ્ણાંતોના મતે આ માનવોની ઇરાદાપૂર્વકની આયોજિત મંદી હોઈ આમાંથી જલ્દી બહાર નીકળી જઈશું. ભારત ભૂતકાળમાં પણ ઘણીવાર મંદીનો સામનો કરી ફરી બેઠું થઈ ગયું છે. હાલના સમયનો મુખ્ય પડકાર આર્થિક નહીં પરંતુ સંક્રમિત લોકોની ઝડપી ચકાસણીનો છે. ભારતે તેના બિંજરૂરી ખર્ચા પર કાપ મૂકવો પડશે અને જરૂરી ખર્ચા માટેની પ્રાથમિકતા પણ નક્કી કરવી પડશે. ગરીબ, બેરોજગાર તથા વૃદ્ધોને સામાજિક સલામતી પૂરી પાડવી જરૂરી છે. પ્રત્યક્ષ રોકડ લાભો વધારવા પડશે તેમજ વિવિધ બિન સરકારી સંસ્થાઓ તથા સરકારે સાથે મળીને કામ કરવું પડશે. જેમ બીજા વિશ્વ યુદ્ધ પછી વિશ્વમાં અને આઝાદી પછી ભારતમાં વિકાસના ઉદેશ્ય માટે ખ્યાતનામ અને અધિકૃત સંસ્થાઓની સ્થાપના થઈ તેવી રીતે આરોગ્યને લક્ષીને તેમજ કોરોના પછીના વિકાસ માટે ભારતે નવી સંસ્થાઓનું વિશ્વ, સાથે મલીને સર્જન કરવું પડશે. આમ વર્તમાનને સાચવીને ભવિષ્યના પડકારો માટે પણ ભારતે તૈયાર રહેવું પડશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *